પાસે જઈ, અડકવા જેવો છે,
ઈશ્વર ઘડીક, નિરખવા જેવો છે,
જોવામાં તો લાગે, ચળકતો સોનેરી,
ઠોકી-ટીપીને, પરખવા જેવો છે,
ઉંડા જે પણ ઉતર્યા, પામી ગયાં સ્વયંને,
આ ખાંડો, અંદર ગરકવા જેવો છે,
એકવાર લાગે તો, કેમેય મટે નહીં,
નેહડો એનો, હડકવા જેવો છે,
પ્રકાશ આપે, પણ બાળે નહીં કોઈ’દી,
એ દીવો, પાસે, સરકવા જેવો છે,
જોડે ચાલે, ભેગો, મારગ પણ બતાવે,
એ ભોમિયો, સાથે, ભટકવા જેવો છે,
એનું જે કંઈ મળે, તે ભેગું કરીએ “કાચબા”,
એ ધનનો ઢગલો, ખડકવા જેવો છે.
– ૧૩/૧૦/૨૦૨૧
[તું ખોટે ખોટો એની સાથે તકરાર કર્યા કરે છે, નાહક બીચારાને બદનામ કરે છે, વગોવે છે… જેટલો ખરાબ તેં એને ચીતરી દીધો છે એવો એ નથી. “તું એને સમજ્યો જ નથી“. એ બીચારો તો નારીયેળ જેવો છે, બહારથી કડક અને અંદરથી નરમ….]
ખૂબ મનોમંથન માગી લેતી પંક્તિ , અદભૂત.
અડકવા જેવો છે, નીરખવા જેવો છે… વાહ શું વાત કરી છે … ઈશ્વરની કંઈક અલગ જ પરિભાષા પ્રસ્તુત કરી….