ધરમનાં નામે ચાલતો આ ધંધો તું બંધ કરાવ,
પૈસા આપી છટકવાનો રસ્તો તું બંધ કરાવ.
નિયમ ગ્રહોના તેં બનાવી ચાક પર ફરતાં કર્યા,
દિશાઓ એની બદલી શકતાં નંગો તું બંધ કરાવ.
તું કદી ઊંઘતો નથી કે તું કદી ઉઠતો નથી,
વારે વારે પડી જતો આ પડદો તું બંધ કરાવ.
નમું તને કે લક્ષ્મીજી ને, એજ સમજ પડતી નથી,
માથા સામું ધરી દેવાતો ગલ્લો તું બંધ કરાવ.
માંગ્યા ક્યારે ભોગ વિલાસો, તેં, મને માલમ નથી,
સોના વર્ણે મઢાતો તારો પાટલો તું બંધ કરાવ.
કયા મોઢે તું કહેશે કોઈને? તારો જ સિક્કો ખોટો છે,
શ્રીફળ સામે ફળ દેવાનો, સોદો તું બંધ કરાવ.
રોડાં પહેલાં તું નાંખે ને, “કાચબો” પછી રસ્તો કરે,
તારાં જ પાપે ભરાતો આ ચોપડો તું બંધ કરાવ. … ધરમનાં નામે૰
– ૧૫/૧૧/૨૦૨૧
[ધૂપ, મોતી, નંગ, માળા, ધાગા દોરા, દોષ-નિવારણ… વગેરે વગેરે કંઈ કેટલુંય… તારાં નામ પર આ જે ચારે બાજુ “ગોરખ” ધંધા ફાટી નીકળ્યાં છે એનું હવે તું કંઈક કર. આ લૂંટફાટ ક્યાં સુધી ચાલશે?….]
તમારી આ રચના માટે ગમે તેટલું લખીશ ઓછું જ
હસે. કવિ અને લેખક હંમેશા સમાજ સુધારક અને
સેવક ના રૂપમાં ઓળખાતા આવ્યા છે.
👌👌👌
ચોટદાર રજૂઆત… ધર્મના નામે થતાં આ ગોરખધંધા બંધ કરાવ…