સમજાવો કોઈ એમને સમજાવું કઈ રીતે,
સંપૂર્ણ દોષમુક્ત થઈ બતલાવું કઈ રીતે?
તથ્યો ભલેને ખોટા હો પણ ચર્ચા તો કરે,
ગ્રંથી જ બાંધી લે તો હું છોડાવું કઈ રીતે?
કચરું જે કંઈ પણ હશે ભડ ભડ બળી જશે,
તપ્યા વિના જ ભઠ્ઠીમાં પરખાવું કઈ રીતે?
ચક્કર ચઢે છે એમને ખોટાની ગંધથી,
મારું મહિમ્ન સ્તોત્ર તો ગાવું કઈ રીતે?
પર થઈ શક્યા ક્યાં દોષથી અવતારી જે હતાં,
એથી ઉપર તો માણસે થાવું કઈ રીતે?
– ૨૪/૧૨/૨૦૨૩
[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ નાં ૩૧/૧૨/૨૦૨૩ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં પ્રકાશિત.]
બહુ સરસ, નવ વર્ષ શુભેચ્છાઓ🌹