રમવા દો થોડીક વાર માટીમાં મને,
સુગંધ મારા શરીરમાંથી જતી રહી છે,
ઉગી ગયા છે જંગલો પથ્થરનાં શહેરમાં,
જમીન મારા રમવાની ઘટી રહી છે.
બનતા મેં જોયા છે પથ્થરના રસ્તા,
શરમ જાણે આંખમાંથી જતી રહી છે,
પથરાઈ રહ્યા થર એકની ઉપર એક,
ઊંચાઈ મારા ઓટલાની ઘટી રહી છે.
ઈચ્છા નથી પગ જમીન પર રાખવાની,
જમીન જ તો નીચેથી જતી રહી છે,
વાગે જો ઠોકર તો નીકળે છે આંસુ,
ધગશ મારી ચાલવાની ઘટી રહી છે.
કુવા પણ ગામના મારા મીઠા મધુરા,
કડવાટ ઓલા ટુંબડાની જતી રહી છે,
વરસાદ પણ અહીંયાનો ઝેર કડવો “કાચબા”,
મીઠાશ મારા લીમડાની ઘટી રહી છે.