વીતી ગયેલી કાલ

You are currently viewing વીતી ગયેલી કાલ

થોડી જુનવાણી લાગશે, પણ જાણવા જેવી છે,
એકવાર પાછો આવ મારે, એક વાત કે’વી છે.

વાત એ વખતની છે, જયારે,
કાચીકો ઘસતાં, ને પછી હસતાં’તા,
વાત એ વખતની છે, જયારે,
લજામણી ને અડતાં, ને ક્યારેક લડતાં’તા,
થોડી કાલી-ઘેલી લાગશે, પણ માણવા જેવી છે,
એકવાર પાછો આવ મારે, એક વાત કે’વી છે.

આખો દિવસ રમતાં, તોયે થાકતાં નો’તા,
દાવ લીધા પછી દાવ, પાછો આપતાં નો’તા.
કાનમાં ભલેને કે’તા, પણ છાનું રાખતાં નો’તા,
એકવાર દોસ્તી બાંધી, તો પછી તોડતાં નો’તા,
ચ્વિંગમ મીઠી લાગશે, વાગોળવા જેવી છે,
એકવાર પાછો આવ મારે, એક વાત કે’વી છે.

જનમદિવસ પર ઉંચે ઉછાળીને ફેંકતાં હતાં,
એકજ ટેબલ પર ટોળે વળીને જમતાં હતાં,
ઘરેથી કોણ આવ્યું, એને શોધતાં હતાં,
નાસ્તાનો ડબ્બો તો, રીતસર લૂંટતાં હતાં,
ઉત્સવો કેવાં ઉજવતાં, ફિલ્લમ જોવા જેવી છે,
એકવાર પાછો આવ મારે, એક વાત કે’વી છે.

સુકાઈ ગઈ તડકામાં, યાદો ભીની-ભીની,
ખિસ્સું ભરીને પૈસા, પણ હથેળી સુની-સુની,
ધીમે પગલે આવે, બેસે નહીં છાની-માની,
મારા જેવી હાલત, છે કહોને કોની-કોની,
જવાબદારી વગરની જિંદગી, ફરી જીવવા જેવી છે,
એકવાર પાછો આવ “કાચબા”, એક વાત કે’વી છે.

– ૨૮/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply