વા મળે, વાદળ મળે, પણ તું નથી મળતો,
ભૂતળે પણ જળ મળે, પણ તું નથી મળતો.
રોજ સંધ્યા ને ઉષાએ આવીને રંગો રમે,
ધરતીને સૂરજ મળે, પણ તું નથી મળતો.
બીહડો, વનરાવનો, દુર્ગમ પહાડો, શું કહું,
પાણીમાં રસ્તો મળે, પણ તું નથી મળતો.
કાળમીંઢ ખડકો ભરેલી અંધારીસી બોડમાં,
શોધતાં હીરો મળે, પણ તું નથી મળતો.
દૂર અવકાશે ઉડીને થાકેલા કોઈ યાતરીને,
બેસવા ભેખડ મળે, પણ તું નથી મળતો.
હા અભિમાને ભરેલો ભારી પથ્થર પણ કદી-
પાણીમાં તરતો મળે, પણ તું નથી મળતો.
હેતે નમીએ “કાચબા” કોઈ તપસ્વી આત્મા,
સંત-આશિષ, વર મળે, પણ તું નથી મળતો.
– ૨૧/૧૨/૨૦૨૧
[તું હવે ક્યાં મારી કોઈ વાત સાંભળે જ છે, હવે તો તું બહું “મોટો માણસ” થઈ ગયો છે, કાયમ હવામાં જ રહે છે, જમીન પર તો પગ જ મૂકતો નથી. હવે તારી સાથે ગાડું નહીં ચાલે…]
સત્યની એટલી નજીક તમે જાવ છો,
દરેક કવિતામાં એક પ્રશ્ન છોડતા જાવ છો.