મનનો મોરલીયો

You are currently viewing મનનો મોરલીયો

સ્મિત ના સંગીત પર નાચતો એ મોરલો,
સ્નેહ ભર્યા ગીત પર નાચતો એ મોરલો.

એકમના યોગ કરી, સંકોચના છેદ કરી,
પ્રેમના ગણિત પર નાચતો એ મોરલો.

મૃગ ફાળ ભરતાં ને, ખિલખિલાટ કરતાં,
પ્રીત વાળી રીત પર નાચતો એ મોરલો.

બાંધેલા કેશ લઈ, જટાધારી વેશ લઈ,
જોગીડા ની તર્જ પર નાચતો એ મોરલો.

આંખે ઉફાન ભરી, હૈયામાં તાન ભરી,
ધડ ધક ધક તાલ પર નાચતો એ મોરલો.

ઘુમે મલંગ થઈ, ઝુમે મૃદંગ લઈ,
થનગનાટ થાપ દઈ નાચતો એ મોરલો.

ખંજન બે ગાલ ધરી, ચુંબન બે ચાર કરી,
“કાચબા” નું ચિત્ત ચોરી નાચતો એ મોરલો.

– ૧૬/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply