ઘસ્યા કરીને લોઢાનું કંચન કરાય નહીં,
માખણ કરીને છાશનું મંથન કરાય નહીં.
થોડા સમયમાં પથરો,પણ લીસ્સો થઈ શકે, પણ-
ઘસ્યા કરીને લીમડાનું ચંદન કરાય નહીં.
સ્મિત જેટલું સુંદર, નહીં હોય ઘરેણું કોઈ,
ખાડો કરીને ચેહરા પર ખંજન કરાય નહીં.
હાથ હવામાં મારો તો થોડી ઘણી ખસે, પણ-
મુઠ્ઠી ભરી હવાનું કદી બંધન કરાય નહીં.
સત્યને ખાતર લડવું, આમ તો ધરમ કહે છે,
પણ ગાંડો ગમે તે બોલે એનું ખંડન કરાય નહીં.
વેઠ અને પરિશ્રમ નો ફરક જાણવો “કાચબા”
ડોબા* આગળ ભા઼ગવત નું મંચન કરાય નહીં.
– ૦૫/૦૪/૨૦૨૨
*ડોબું – ગાય/ભેંસ, ઢોર
[મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે, ખરી વાત, પણ માથું અફાળવાથી પથ્થર તૂટતો નથી…. સફર પર નીકળી પડો તો મંઝીલ સુધી પહોંચાય છે, એ પણ ખરું, પણ જે ગંતવ્ય જવું હોય એ દિશામાં જ ચાલવું પડે છે, એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરવાથી કશે જ પહોંચાતુ નથી. મહેનત ફળદાયી છે પણ વેઠ “વ્યર્થ” છે….]
અદભુત…….
ખુબ અદભુત ….