એક એક કરીને ધારણાઓ, મારી ખોટી પડી રહી છે,
તને પામવાને સાધનાઓ, ઓછી પડી રહી છે.
એક પગે ઉભો છું, વાદળી વરસી રહી છે,
તને સાધવાને ઉપાસનાઓ, ઓછી પડી રહી છે.
ગુંજી ગઈ ટેકરીઓ, થર થર ધ્રુજી રહી છે,
તને રીઝવવાને પ્રાર્થનાઓ, ઓછી પડી રહી છે.
પડી ગયા છે સોળ, ધારા વહી રહી છે,
તને મારી યાતનાઓ, ઓછી પડી રહી છે.
ધીમે ધીમે ઇન્દ્રિયો, મારી ક્ષીણ થઇ રહી છે,
તને મારી યાચનાઓ, ઓછી પડી રહી છે.
ધીમો પડ્યો શ્વાસ, નાડી તૂટી રહી છે,
તને પીગાળવાને વેદનાઓ, ઓછી પડી રહી છે.
અડગ રહ્યો “કાચબો”, યાત્રા અખંડ રહી છે,
મને તોડવાની યોજનાઓ, તારી, ઓછી પડી રહી છે.
– ૧૧/૦૧/૨૦૨૧