પડકાર

You are currently viewing પડકાર

ઘનઘોર ઘટા, સુસવાટા પવનના,
ભય, આક્રંદ, કકળાટ, ચીસાચીસ,
અફરાતફરી, પડાપડી ને નાસભાગ,
એક ચક્રવાત, એની નજર સામે છે.

કોઈ વળી ગયું, તો કોઈ  પડી ગયું,
થોડા તૂટી ગયા બાકી ભાંગી ગયા.
ફિકર એને ચકલી ને ઈંડા બેવની છે,
માળા એનીયે ડાળે પંખીઓ બાંધી ગયા.

એવું નથી કે બિલકુલ એને ભય નથી,
આ દુસ્સાહસ ના પરિણામનો એને અંદાજ નથી,
તોય ઉભો છે અડીખમ, વટ થી છાતી કાઢી ને,
બાથ ભીડવા બળિયા સાથે, બેય હાથ પસારીને.

એ તો કંઈ સાવ ઘેલો નથી, પણ
અપાર શક્તિ નો અનુભવ, એનો પહેલો  નથી.
વીતાવ્યા છે કંઈ કેટલાય વસંત એણે અહિયાં જ,
કેટલીયે ડામરીઓને એણે વંટોળ થતા જોયા છે.

અકડ઼ નથી ‘કાચબા’, આ એનો આત્મવિશ્વાસ છે,
દશકોના અનુભવોનો એનો આ ક્યાસ છે.
કેટલા ઊંડા મૂળિયાં ને કેટલા બાકી શ્વાસ છે,
વંટોળ કરતા એને, એના મૂળિયાં પર વિશ્વાસ છે.

– ૩૦/૦૯/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply