અહીં કોણ કોનાં ઈશારે ચાલે છે, બધાને ખબર છે,
વર્ષોથી ઘેર ઘેર આમજ ચાલે છે, બધાને ખબર છે.
રામે ઘડીને માટીના મૂકી દીધા છે રમતાં, પણ કોણ –
ભરાવે ચાવી ને રમકડું ક્યારે ચાલે છે, બધાને ખબર છે.
જોડી દીધાં છે પૈડાં બે, એક મોટું ને એક નાનું,
હાલક ડોલક ગાડું કેમ કરીને ચાલે છે, બધાને ખબર છે.
ડંફાસો મારે કે હું એક મારી મરજીથી ચાલુ છું, એને-
જવું હોય જમણે, ને કેમ ડાબે ચાલે છે, બધાને ખબર છે.
નથી કોઈ બંધન કે ધાક સોટીનો, સૌ બોલે તો છે,
ખીંટે બાંધેલું ડોબું કેવું ને ક્યાં લગ ચાલે છે, બધાને ખબર છે.
એ પણ એટલો જ નિઃસહાય છે જેનો તું અવતાર છે “કાચબા”,
એ વૈકુંઠનો વ્યવહાર પણ લક્ષ્મીથી ચાલે છે, બધાને ખબર છે.
– ૦૩/૦૫/૨૦૨૨
[બોલવા ખાતર તો લોકો બધું બહું બોલે છે, મોટી મોટી ડંફાસો મારે છે કે એનાં ઘરમાં એનો કેવો દબદબો છે. પણ ખરેખર સંસારમાં કોનું ચાલે છે એ કોઈ ગૂઢ “રહસ્ય” નથી. બહારથી ભલે કોઈ ગમે તે બોલે, પણ અંદરથી તો એને પોતાને પણ ખબર જ છે કે ઘરમાં કોનું ચાલે છે….]
અંત્યંત રહસ્યમય ,ચિંતાજનક અને અનુકંપિત વિષય
પર કવિએ પ્રકાશ પાથર્યો છે જેના વિશે જેટલું લખશો તેટલું ઓછું છે.તો આ વિષય પર થોડું વધારે લખો એવી નમ્ર વિનંતી……..