નાનાં મોટાં ચમકારાથી હું અંજાઈશ નહીં,
એટલાંથી અંજાઈ ગયો તો તું દેખાઈશ નહીં.
હરતાં ફરતાં હાથસફાઈ કરતાં જડે ધુતારા,
ભુલકાઓને ભોળવી લઈને તું ફૂલાઈશ નહીં.
નક્કર આપે સાબિતી તો માનું કે તું સાચો,
મીઠી મીઠી વાતોમાં કંઈ હું ભોળવાઈશ નહીં.
શ્રદ્ધાનો વેપાર કરું તો લાજે કોનું નામ?
બાધા માનતા આખડીઓમાં હું બંધાઈશ નહીં.
તંદ્રામાંથી નીકળી તારે ઉત્તર દેવા પડશે,
ચાપલુસિયાઓની પંગતમાં હું ગોઠવાઈશ નહીં.
થોડી એમાં મજબૂરી છે તારી પણ હું સમજું,
પરચો તું બતલાવે નહીં તો તું પૂજાઈશ નહીં.
કરવું હો કલ્યાણ જો તારે, તો આ લોકે કરજે,
ચુક્યો તો જોજે પરલોકે તું ભટકાઈશ નહીં.
– ૧૪/૦૭/૨૦૨૨
બહુ સરસ 💐
ખૂબ ખૂબ સરસ શબ્દોની જાન લઈને આવ્યા,
તમને હું વાંચી શકું એવી લીંક લઈને આવ્યા.
વાહ! વાહ! અને વાહ! જ નીકળે મારા મુખેથી,
હું ક્યારેય નહીં કહુ કે બીજી ફરમાઈશ નહીં.