બાહર નીકળ તો ખરો, કે રસ્તો મળી જશે,
સથવારો પણ કોઈ અમસ્તો મળી જશે,
ટોળે ટોળા ચાલતાં હોય છે, જઈને જોજે,
પ્રવાહ તને પણ કોઈ ધસમસતો મળી જશે.
બની શકે તું ભૂલો પડે, તો પડે શું થયું?
પ્રયત્ન તેં કર્યાનો, જશ તો મળી જશે?
અંધારે પણ ખુદને એકલો સમજીશ નહીં,
કોઈ તારો તારી સાથે ખસતો મળી જશે.
મક્કમ થઈને ચાલતો રહેજે હસતાં હસતાં,
સામે પણ કોઈ ચેહરો હસતો મળી જશે.
એને તો બસ જોઈએ કે કોઈ આવે શોધવા,
નીકળ,એ જ તને સામું ધસતો મળી જશે.
જરૂર “કાચબા” એટલી, કે શરૂઆત કરી,
ડગલું તેં ભર્યું છે? બસ તો મળી જશે.
– ૧૧/૦૩/૨૦૨૨
[આમ હાથ પર હાથ ધરીને ક્યાં સુધી બેસી રહેશે? ક્યાં સુધી આમ ઉઘાડ નીકળવાની પ્રતિક્ષામાં કરીશ? થોડું સાહસ કર.. “ઘૂળ ખંખેર“, ઊભો થા અને નીકળી પડ… રસ્તા આપોઆપ મળી જશે…]
જોષ ,સામર્થ્ય અને તેજ થી ભરપૂર કવિતા.જેની દરેક
પંક્તિ લક્ષ્ય સિદ્ધ કરવા ની પ્રેરણા આપે છે.
Ati Uttam