શ્રી કૃષ્ણ ઉવાચ: ચાલો પાર્થ, ત્વરિત ચાલો આ રણમાંથી, આ સમય અતિમહા ભયંકર થઈ રહ્યો છે, હવે અહિંયા રોકાવાય નહીં…
અર્જુન ઉવાચ: અરે મોહન, આ શું બોલ્યાં? રણ છોડીને ભાગી જઈએ??
જાણો કેમ કૃષ્ણ નાસી જવાની વાત કરે છે? શું છે આ આખો “શ્રીકૃષ્ણ-અર્જૂન સંવાદ” ? ….
યુદ્ધના ધોરણે ચાલો પાર્થ,
સમયની એજ પોકાર છે,
વાગ્યા વગર રહેશે નહીં,
સમયનાં તીક્ષ્ણ બાણ છે.
રાત અઘોરી અંધિયારી ને,
બળબળતું પરભાત છે,
દીવસ હજી ચઢવાનો બાકી,
આ તો બસ શરૂઆત છે,
દુર્જનો થઈ ગયા છે વેરી,
સજ્જનો એથી ભેંકાર છે,
પડખે રહીને ખંજર મારે,
સ્વાર્થનાં સૌ વેપાર છે,
ગાંડીવ તને કોઈ કામ નૈ આવે,
નિષ્ફળ તારાં પ્રહાર છે,
કુરુક્ષેત્રમાં મડદાઓનાં,
ખડાં થયેલાં પહાડ છે,
યુદ્ધના ધોરણે ચાલો પાર્થ….
નાસીને ક્યાં જાશું કૃષ્ણ,
કેવો અણઘડ વિચાર છે?
મારે-તમારે બે-બે જ દીધાં,
સમયના ચરણો ચાર છે,
સમય થયો છે જાગવાનો,
ઘરતી નિરાધાર છે,
શુરા જો રણ છોડીને ભાગે,
કોનો પછી આધાર છે,
દીધાં વચને બંધાયેલા,
“કાચબા” અરજી સ્વીકાર છે,
યુગે યુગે રક્ષણ કરવાનો,
તારો દ્રઢ નિર્ધાર છે.
નાસીને ક્યાં જાશું કૃષ્ણ,…
યુદ્ધના ધોરણે ચાલો પાર્થ….
નાસીને ક્યાં જાશું કૃષ્ણ,…
– ૧૦/૦૬/૨૦૨૧
વાહ વાહ વાહ… શું જોરદાર સંવાદ રજુ કર્યો છે. યુદ્ધથી નાસીને ક્યાં જશું માધવ… કૃષ્ણ રણ છોડવાની વાત કરે ને અર્જુન રોકે… અદ્ભૂત કલ્પના તમારી…🙏🙏🙏