સાચું-ખોટું શું, તારે નક્કી કરવાનું,
મારે તો તને, ભેદ પારખતા શીખવવાનું.
શું જોવું છે, તારે નક્કી કરવાનું,
મારે તો તને, રંગ ઓળખતાં શીખવવાનું.
કઈ દિશામાં જવું, તારે નક્કી કરવાનું,
મારે તો તને, પૂરપાટ દોડતાં શીખવવાનું.
વિચાર કેવા રાખવા, તારે નક્કી કરવાનું,
મારે તો તને, વિચાર કરતા શીખવવાનું.
કેવો વ્યવહાર કરવો, તારે નક્કી કરવાનું,
મારે તો તને, શિષ્ટાચાર શીખવવાનું.
મિત્રતા કરવી કે નહિ, તારે નક્કી કરવાનું,
મારે તો તને, વૈમનસ્ય સુંઘતા શીખવવાનું.
સંયમ રાખવો કે શોખ, તારે નક્કી કરવાનું.
“કાચબા”ને તો તને, જીવન માણતા શીખવવાનું.
– ૧૭/૧૨/૨૦૨૦