અગત્યનું શું છે?

  • Post published:02-Oct-23

વહેવારે જે થાતું હોય એ આપી દઈશું,એમ કરીને એમનુંય પાણી માપી લઈશું. સોથી ઉંચા સંબંધો સાચવતાં આવડે,રાજી રહે તો કાળજુ થોડું કાપી દઈશું. મનથી પણ મેં તો એમને મારા માન્યા છે,એકતરફી હો તો પણ, મૂર્તિ સ્થાપી દઈશું. થોડું અમથું છોડું તો નુકશાન નથી બહુ,આપી દઈને છાતી સરસો ચાંપી દઈશું. ઝાળ બળે છે અંદર, જોઈ ઉપેક્ષા એમની,પાસે બેઠા છે સમજીને તાપી લઈશું. શું લઈ લેશે? બે-ત્રણ ટુકડા કાગળનાં, બસ!પરસેવો પાડીને થોડાં છાપી લઈશું. નીંદા કરવા જ યાદ કરે છે તોયે શું છે?એમ કરી જીવનમાં એમનાં વ્યાપી જઈશું. - ૦૧/૧૦/૨૦૨૩

Continue Readingઅગત્યનું શું છે?

હાથમાં નથી

  • Post published:17-Sep-23

એ નહીં ઈચ્છે અગર તો પાંદડું હલતું નથી,તું જ નક્કી કર કે તારું કામ કાં ફળતું નથી. જ્યાં સુધી આવે નહીં ને માર્ગમાં કોઈ અડચણો,ત્યાં સુધી કોઈ ભાગ્ય શું, ઈશ્વરને પણ ગણતું નથી. પૂર્ણ તૈયારી કરી'તી કે તિલક કાલે કરે,એ પ્રમાણે પણ અયોધ્યામાં કશું બનતું નથી. નહીં હશે વિશ્વાસ એથી મહેલ ચણ્યો લાખનો,નહીં તો કંઈ એવું નથી કે લાકડું બળતું નથી. લક્ષ્ય ચૂકે તો હવાનો પાડ તારે માનવો,પારધીનું તીર બાકી માર્ગથી હટતું નથી. કર્મ કંઈક ને કંઈક તો કરવા પડે છે નહીં તો અહીં,સ્વર્ગની તો વાત છોડો નર્ક પણ મળતું નથી. હાથ એનાં પણ હશે બંધાયેલા કોને ખબર,એને પણ કરવું પડે છે જે એને ગમતું નથી. - ૧૩/૦૯/૨૦૨૩ [રોજે રોજ, હર હંમેશ, દરેક ક્ષણે, દરેક સ્થળે, કોઈ ને કોઈ દ્વારા, કંઈક ને કંઈક થતું રહે છે, ઘટતું રહે છે, બનતું રહે છે; અને એમાંનું કશું પણ કરવું કે એને કરતાં કે થતાં રોકવું એ આપણાં કોઈનાં પણ હાથમાં નથી. જે થવાનું નિહિત છે એ નક્કી ઘટિત થઈને જ રહેશે, કોઈ કશું કરી શકવાનું નથી.]

Continue Readingહાથમાં નથી

સૂકી સૂકી જન્માષ્ટમી

  • Post published:07-Sep-23

વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે, આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે! તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે, નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે. ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે, તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે. મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું, પીંછું લઈને હોંશે એણે કલગી એક સજાવી છે. નંદ નગરમાં ઉત્સવનો ઉમંગ અધુરો લાગે છે, હિંડોળાએ થોડું ભીંજાવાની આશ લગાવી છે. - ૦૬/૦૯/૨૦૨૩ [છેલ્લા એક-દોઢ મહિનાથી બિલકુલ વરસાદ જ નથી અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે પણ વરસાદનાં કોઈ એંધાણ નથી; અને જન્માષ્ટમી સાવ કોરે કોરી જાય એવું તો કંઈ ચાલે? એટલે કાનુડાને કમસેકમ જન્માષ્ટમીનાં દિવસે તો વરસાદ પાડ, એવી મીઠી ફરિયાદ કરતી આ ગઝલ. હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી 🙏🏻 નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી 🙏🏻]

Continue Readingસૂકી સૂકી જન્માષ્ટમી

એટલું તો સમજ

  • Post published:21-Aug-23

બધું જ મારાથી થઈ શકે તો જણાવ તારી જરૂર શું છે?કરમ કર્યેથી મળી શકે તો જણાવ તારી જરૂર શું છે? હું તીર કાઢી મલમ લગાડું, પરંતુ ઉપચાર એકલાથી,ફરીથી પંખી ઉડી શકે તો જણાવ તારી જરૂર શું છે? ધરમની પોકાર પર મહાદેવ હર કરીને હુંકાર કરીએ,લડીને સેના જીતી શકે તો જણાવ તારી જરૂર શું છે? અહીંનું પાણી સુકાય ક્યારે ને શ્વાસ ક્યારે રૂંધાય એવું,જો ગર્ભ નક્કી કરી શકે તો જણાવ તારી જરૂર શું છે? નગરનાં ભંડાર પણ હલાવી શકે ના ત્યારે જરાં અમસ્તી,કડીથી પલ્લું નમી શકે તો જણાવ તારી જરૂર શું છે? - ૨૦/૦૮/૨૦૨૩ [અમિત ટેલર "કાચબો"]

Continue Readingએટલું તો સમજ

આવજો

  • Post published:18-Jul-23

એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,દડદડતુ આંસુ એણે વાળી લીધેલું. હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું. માથું નીચું રાખીને સાંભળતા રહેતા,કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું. આંખો એણે છેક સુધી કોરી રાખીને,મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું. સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,મન તો એણે પહેલેથી મારી લીધેલું. કોરી પોથી લાવી સામે મુકી દીધી,કહેવાનું પાનું એણે ફાડી લીધેલું. લાખ જતન કરતા પણ છુંદણું ઢંકાયું નહીં,પાલવ નીચે નામ હતું, ભાળી લીધેલું. - ૧૮/૦૭/૨૦૨૩ [ના તો હાથ ઉપડતો હોય છે ના જીભ ઉપડતી હોય છે; સીધાં, સાદા, અને સરળ લાગતાં "આવજો" ઘણીવાર બહું અઘરાં પડતાં હોય છે....]

Continue Readingઆવજો