માંડ માંડ અહીં સુધી પહોંચ્યો છું,
ધુરંધરોના તીરોથી બચ્યો છું.
આવી ગયો છું લપાતો છુપાતો,
ડગલે ને પગલે અંગારે બળ્યો છું.
કુંડાળા પડ્યા છે રસ્તામાં મોટાં,
કોનાથી બચવું એ ચકરે ચઢ્યો છું.
રાત નથી પડવા દેતી અગનજ્વાળાઓ,
યાદ નથી છેલ્લે હું ક્યારે ઊંઘ્યો છું.
એકજ આ મોતથી બચવાની લ્હાયમાં,
હજારો મોતોને હું રસ્તે મળ્યો છું.
લગભગ તો આખો જ વેતરાઈ ગયો છું,
ઓળખી શકે તું બસ એટલો જ વધ્યો છું.
લઈ લેજે તારી શરણમાં હવે તું,
ફસડાઇને તારાં જ દ્વારે પડ્યો છું. … માંડ માંડ ૦
– ૦૯/૧૨/૨૦૨૧
[હવે મારી હદ આવી ગઈ છે, જેટલું હું તારી તરફ દોડી શકતો હતો, મેં દોડી લીધું, હવે હું ભાંગીને પડ્યો છું. મારાથી હવે “આગળ નહિ અવાય“, અહીંથી આગળ તારે જ મને લઇ જવો પડશે તારાં સુધી…]
ઉત્તમ.👌👌👍
બહુંજ ઉમદા રચના ❤️❤️❤️
લખવા માટે સબ્દો નથી …..અદભુત,
અતિ ઉત્તમ
વાહ