સમસ્યા ગંભીર હોઈ, સમાધાન આપજે,
ઈચ્છા લઈને આવું છું, વરદાન આપજે.
હુન્નર તો આપ્યું તેં ઉત્તમ કક્ષાનું,
એટલાજ ઉત્તમ, કદરદાન આપજે.
કરી લીધા છે ઊંચા, બન્ને હાથ મારા,
વાંકો વળીને કઈંક, મહેરબાન આપજે.
ભટક્યા કરીશ, ક્યાં સુધી, ગાંડો-ઘેલો,
સમજી શકું તને, એટલું ભાન આપજે.
તું સૌનો હોય, તો હું પણ તારો થયો ને,
સમય કાઢીને આબાજુ, પણ ધ્યાન આપજે.
તાપ કે ટાઢ, હસતા મોઢે સહી લઈશ,
બસ તારા છત્ર નીચે, મને મકાન આપજે.
જરૂર કરતા હંમેશા વધુજ મળ્યું છે “કાચબા”,
તને તોય મારો કહી શકું, એટલું ગુમાન આપજે.
– ૦૯/૧૨/૨૦૨૦