જરાક અમસ્તું દોડું, ત્યાં તો થાકી જવાય છે,
મહત્વાકાંક્ષાઓનું ભાથુ, હવે ભાર લાગે છે.
એક એક કરીને કાપતો જાઉં છું નામ, યાદીમાંથી,
પણ છેલ્લે સુધી પહોંચવું, ગજાની બહાર લાગે છે.
ધક્કા લાગ્યા કરે છે, અને ઢસડાતો જાઉં છું,
આ જીંદગી કોઈની લીધેલી ઉધાર લાગે છે.
દોડ્યા જ કરે છે તૃષ્ણાઓ સતત-નિરંતર,
મંજીલ એને ક્ષિતિજની, પેલે પાર લાગે છે.
સમજી પણ નથી શકતી માયાની મોહજાળને,
બિચારી લાલસાઓ ગાંડી-ઘેલી-ગમાર લાગે છે.
ખર્ચાઈ જાય છે સગપણ, મિત્રો, ઘડીભરનો પોરો,
બદલામાં માત્ર ક્ષણિક વિલાસ, ખોટનો વેપાર લાગે છે.
દાવ પર લાગી ગઈ છે શાંતિ અંતરની “કાચબા”,
સમૃદ્ધિને પામવાનો ખેલ, મોટો જુગાર લાગે છે.
– ૨૦/૦૨/૨૦૨૧