અબૂધ

You are currently viewing અબૂધ

પડાવ પર પહોંચી ગયા, પણ ધ્યેય ખબર નથી,
ક્યાંથી નીકળ્યા, કોની સાથે, એય ખબર નથી.

નાસી નીકળ્યા ઉતાવળે, કે મળી જશે કોઈક તો,
રસ્તા હશે હજ્જારો, પણ એકેય ખબર નથી.

બાંધી લીધાં મોટાં બીસ્ત્રા, માથે મૂક્યું ભાથું,
કેટ઼લી લાંબી સફર, સ્વપનેય ખબર નથી

કોનો હશે ખબર નહીં શ્રાપ કે ભટક્યા કર્યા,
નમ્યા જ નથી હતું કોણ શ્રદ્ધેય ખબર નથી.

આડા ઉભા પદ માંડું, ને ધારણા એની કરું,
ઉકલી શકશે ચોક્કસ આ પ્રમેય? ખબર નથી.

ફરી ફરીને એકજ જગ્યાએ કેમ પહોંચી જવાય છે?
દોડ્યા પછી વર્ષો સુધી આજેય ખબર નથી.

દિશાશૂન્ય દોડ્યા કરું, તોય શું વાંધો “કાચબા”,
કઈ દિશામાં એ મળશે આમેય ખબર નથી.

– ૦૫/૦૧/૨૦૨૨

[આપણું જીવન તો જાણે કે કોઈ નાટકની જેમ ભજવાયાં કરે છે. આપણે સાવ “અબૂધ“, એ વાતથી બિલકુલ અજાણ કે આનાં પછીના અંકમાં આપણું પાત્ર હશે કે નહીં, અને છતાં આ અંકમાં આપણું પાત્ર પૂરી નિષ્ઠાથી ભજવતા રહીએ છીએ…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    ખુબ સરસ રચના.