તારાં થકી તો લખું છું, તારા ઉપર શું લખું?
તારી ઉપર તો નભું છું, એથી ઉપર શું લખું?
ઝૂકાવી દઉં પર્વતોને ઘડીનાં છઠ્ઠા ભાગમાં,
તારી આગળ તો નમું છું, એથી આગળ શું લખું?
પડ્યો રહત ગર્તમાં, ને કોઈ લેવાલ ના મળત,
તારાં થકી છું ઊંચકાયો, એથી ઊંચે શું લખું?
તું મળ્યો પછી મળી, ઉત્તમ સોગાદો જીવનમાં,
તારાથી ઉત્તમ સોગાદ નથી, એથી ઉત્તમ શું લખું?
તું સાથે છે, એજ તો મારી વિશેષતા છે,
તારાથી વિશેષ કોઈ નથી, એથી વિશેષ શું લખું?
પારખી તેં પવિત્રતા, ચપટીમાં મારા અંતરની,
ઉતરીને બની ગયો અંગત, એથી અંગત શું લખું?
તું પીવડાવે સુગંધ, શ્યાહી, “કાચબા”ની કલમને,
તું ઘુંટાવે એમ ઘુંટુ, એથી ઘાટું શું લખું?
તારાં થકી તો લખું છું…
– ૦૩/૦૭/૨૦૨૧