ખોબો હું આખો, ભરીને જ નીકળું છું,
તરસ્યા સુધી પહોંચતા, જો ખાલી થઇ જાય,
તો તારું જ નામ બોળાય.
ખાતર ને પાણી, હું પુરતાં જ આપું છું,
અંકુર ફુટતાં પહેલાં, જો બી કરમાય,
તો તારું જ નામ બોળાય.
યોજનાઓ રોજની, તને પુછીને જ ઘડું છું,
દિ આથમતાં પહેલાં, જો પૂરી ન થાય,
તો તારું જ નામ બોળાય.
સંકલ્પ હું સાચો કરીને જ નીકળું છું,
તારાં તરફ આવતાં, જો લથડીને પડાય,
તો તારું જ નામ બોળાય.
તારાં જ ભરોસે “કાચબો”, પાણીમાં પડ્યો છે,
જો તરવાની આશે, મધદરિયે ડૂબી જાય,
તો તારું જ નામ બોળાય.
– ૩૦/૦૬/૨૦૨૧