સમસ્યા એટલી મોટી નથી, જેટલો એનો હાઉ છે,
કંચન એટલું કામનું નથી, જેટલો એનો ભાવ છે,
દરબાર પણ ભરી લીધો, ને પ્યાલો પણ ભરી લીધો,
ધાડ એટલી મોટી નથી, જેટલો મૂંછ પર તાવ છે.
છાતી સોંસરવી પચાવી લીધી, કટારી એક ધારદાર,
ચીસ એટલી તીવ્ર નથી, જેટલો ઉંડો ઘાવ છે,
અણિયારી એ આંખો મહીં, દુનિયા આખી મોહી છે,
વાણી એટલી મીઠી નથી, જેટલો સુંદર દેખાવ છે,
ફેશન થઇ ગઈ છે આજે તો વાત વાતમાં ટોકવાની,
બાળક એટલું જિદ્દી નથી, જેટલી કરતી રાવ છે,
સાચવી લે ચકલીના માળા, મીઠું પાણી પાય છે,
દીવાલો એટલી જર્જરિત નથી, જેટલી જૂની વાવ છે,
પહોંચાડી આપ્યો શિખર પર, તો છલાંગ મારી કૂદી ગયો,
જિંદગી એટલી સસ્તી નથી, જેટલો રમ્યો દાવ છે,
હદ તો ત્યારે થઇ છે “કાચબા”, હાથ ઊંચા કરવાની,
અપરાધ એટલો ગૌણ નથી, જેટલો લૂલો બચાવ છે.
– ૧૫/૦૭/૨૦૨૧