આભાર કહીને તારું પણ, અપમાન નથી કરવું,
શાબાશ કહીને ખોટું કોઈ, સન્માન નથી કરવું,
શંખના નાદે શરુ થયે, ને ઘંટના નાદે બંધ થયે,
મન મંદિરને રણનું કોઈ, મેદાન નથી કરવું,
તારામાં હું માનું છું ને, મારું ધ્યાન તું રાખે છે,
સાબિત કરવા માથે કોઈ, નિશાન નથી કરવું,
સઘળાં કામો પડતાં મૂકી, હાંફળો-ફાંફળો દોડી આવે,
ધમકી આપતું તને કોઈ, ફરમાન નથી કરવું,
જોર જોરથી ઘાંટા પાડી, નથી કરવી ફરિયાદો મારે,
ભરી બજારે નાચીને, તોફાન નથી કરવું,
વાત વાત માં બની શકે કે, નાનાં-મોટાં મતભેદ આવે,
હોય તોય શું છડે ચોક, એલાન નથી કરવું,
સંબંધ આપણો સ્નેહનો “કાચબા”, અઠ્ઠંગ એમાં કોઈ ન હોય,
તારું કે મારું, બાહોશ કહી, બહુમાન નથી કરવું.
– ૩૦/૦૯/૨૦૨૧
[આભારવિધિ, ક્ષમાયાચના, શાબાશી આપવી… એ બધા દેખાડા આપણે કરવાની જરૂર નથી. આપણો સંબંધ, સ્નેહનો સંબંધ છે, જ્યાં શુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમભાવ છે ત્યાં આવી કોઈ પણ “ઔપચારિકતા“ને સ્થાન નથી…]
👌👌👌
વાહ… અદ્દભુત સર…. 👌👌🙏🙏
ખુબ ખુબ સરસ રજુવાત 👌👌👌👌
વાહ….આટલા દીપ થી તમે સંબંધ ને સમજો છો,
બાકી ઓપચારિક્તા વધુ અને સચ્ચાઈ ઓછી હોય
છે.દરેક પંક્તિ અદભૂત.
મનમંદિર ને રણનું મેદાન નથી કરવું.. સુંદર અભિવ્યક્તિ….