હવે કરગરીને શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે,
ધમકાવીને પણ શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે.
કરગર્યો તો હું પણ કેટલો, બાધા-માનતા પણ મેં રાખેલી,
હવે પુરી કરીને શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે.
નિયમિત તારા ઓટલે આવતો,પૂરી શ્રદ્ધાથી સેવા કરતો,
હવે મેવા ધરીને શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે.
તને તું કાયમ વ્યસ્ત રાખતો, બગલા ભક્તો માં મસ્ત રાખતો,
હવે હંસલા કહીને શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે.
તું તારી જ ધૂનમાં ફરતો રહેતો, મારી અવગણના કરતો રહેતો,
હવે વ્હાલો કરીને શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે.
સંકેત “કાચબા” ઘણા આપ્યા’તા, ટકોરા દરવાજે કેટલાં પાડ્યા’તા,
હવે તિજોરી ખોલીને શું ફાયદો, મેં નવો ઈશ્વર શોધી લીધો છે.
– ૨૪/૦૩/૨૦૨૧