સંસાર જોયો પણ નથી ને એણે છોડી દીધો,
ગલગોટો ખીલ્યો પણ નથી ને એને તોડી લીધો,
સમજ તો પડવા દેવી’તી એને ખરાં ખોટાની,
બાળક ચાલ્યો પણ નથી ને એને તરછોડી દીધો.
ઘડો પાક્યો પણ નથી ને એને ભરી દીધો,
નિષ્ઠુર નિયતિ સામે એને ધરી દીધો,
દુનિયા શું જોઈ’તી એણે કે નક્કી કરી શકે?
એણે “જવું છે” કીધું ને ચાલતો કરી દીધો?
કુમળાં મનમાં શૂળ શંકાનો ભોંકી દીધો,
નાનકડા અંકુરને રણમાં તેં રોપી દીધો,
દુનિયા જોઈને એને જાતે નક્કી કરવા દેતે,
તારો વિચાર તેં “કાચબા”, એનાં પર થોપી દીધો.
– ૧૭/૧૧/૨૦૨૧
[૧૨-૧૫ વર્ષનાં ચાર-પાંચ કિશોરોને કડાકાની ઠંડીમાં વ્હેલી સવારે સંન્યાસી વેશમાં એક જ પાતળું સુતરનાં કપડું લપેટીને વિહાર કરતાં જોયા ત્યારે એ “બાળ સંન્યાસી“ઓને જોઈને રચાયેલી આ રચના..]
ખૂબ ખૂબ સરસ રચના..કરુણ મય
મેં તો આવા બાળ સન્યાસી જોયા નથી પણ તમારી કવિતા વાંચી જાણે જોયા…અને દુઃખ થયું.
સરસ રચના.
સુંદર રચના છે
..
ખૂબ જ સુંદર અને વિચારપ્રેરક રજૂઆત 👍🏻