વાત ને આપણી વચ્ચે જ રાખજે, કીધેલું ને?
બહાર જો ગઈ, વતેસર થશે, કીધેલું ને?
એનો તો ગુણધર્મ છે, જ્વલનશીલતા,
તણખો થ્યો, તો ભડકો થશે, કીધેલું ને?
કે’ને શું વાર લાગે, ફુગ્ગો ફૂટવામાં?
હવાની સાથે ઉડી જશે, કીધેલું ને?
ફિક્કા મમરાં ભાવે કદી ચટોરા ને?
મરી-મસાલો પડી જશે, કીધેલું ને?
લેવા દેવા કોઈને નથી સમસ્યા થી,
ઘા જોશે, તો ખોતરી જશે, કીધેલું ને?
બંધ છે મુઠ્ઠી, ત્યાં સુધી, એ તારી છે,
ખુલી તો ભેદ, ખૂલી જશે, કીધેલું ને?
ચેતવેલોને, તને,”કાચબા”, કરતો નહીં,
જો કરશે તો કેવું થશે, કીધેલું ને?
– ૦૭/૦૮/૨૦૨૧
Very nice…
વાહ ખુબ ખુબ સુંદર ધારદાર રજૂઆત
👌👌👌👌👌
ખૂબ સરસ રજૂઆત
વાહ….કલમ ચલાવો છો કે તીર.
મરી મસાલો પડી જશે,કીધેલું ને….
વિસ્મિત રચના. અદભુત,