કળી

You are currently viewing કળી

કંઈક ખળભળાટ થયો,
એક ખિલખિલાટ થયો,

નવી સવાર આવી,
નવી ઉર્જા લાવી,
દિવસોની મહેનત,
જાણેકે રંગ લાવી.

નાના સપનાં લાવ્યા’તા,
એને ખોબે વાવ્યા’તા,
ભીના હેતે સીંચી ને,
ઉમળકે ઘરે લાવ્યા’તા.

એને તડકો ન લાગે,
એટલે છાંયડો કર્યો,
નીચે એકલું ન લાગે,
એટલે અધ્ધર કર્યો.

ખબર નહોતી પડતી,
એને શું ખૂટે છે?
દિવસો વિતતા જાય,
ને મારી ધીરજ ખૂટે છે.

પાણી માફક નહીં આવતું હોય?
ઠંડકમાં એને નહીં ફાવતું હોય?

માટી જરાક લાવ બદલાવી જોઉં?
દિશા જરાક લાવ ફેરવી જોઉં.

ખાતો જાય,પીતો જાય,
તાજોમાજો,થતો જાય.
કદ ભલે વિસ્તરતું જાય,
હસતો ન બિલકુલ દેખાય,

ફિકર કેટલી કરતો આવ્યો,
છેવટે એ દિવસ આવ્યો,
મારાં જીવ માં જીવ આવ્યો,
કવચ તોડી એ બહાર આવ્યો,

એનો ખળભળાટ થયો,
એનો ખિલખિલાટ થયો,
અવાજ ભલે અજાણ્યો રહ્યો,
પણ આનંદ અપરંપાર થયો.

તપસ્યા મારી પૂરી થઈ,
આંખો એની ભૂરી નઈ,

સોનેરી કિરણ આજે ઊગ્યું,
નિર્દોષ બાળક જાણે હસ્યું,
સપનુ લાવ્યા’તા “કાચબા”, એ
આજે, સોળે કળાએ ખીલ્યું.

– ૧૫/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply