સમયને વહેતાં કેટલી વાર..!
ખૂલીને કહેતાં કેટલી વાર..!
મુંજાયા શું કરવું મનમાં,
પૂછીને લેતાં કેટલી વાર?
વિદાઈ લાગે ભલે વસમી,
વળીને જોતાં કેટલી વાર?
ભૂલી પણ જવાય રસ્તો,
પાછાં ફરતાં કેટલી વાર?
દુભાવીશ નૈ સાધુ જનને,
અંજલી ભરતાં કેટલી વાર?
કરો બીજું કશું કે નહીં,
આંસુ લૂંછતાં કેટલી વાર?
માંગી લે જે માંગવું હોય,
તારાને ખરતાં કેટલી વાર?
સાચવીને માંડજે ડગ,
શીખરથી પડતાં કેટલી વાર?
મળે તોરલ, જેસલને રંગ,
અલખનો ચડતાં કેટલી વાર?
વહી જાશે સમય પળમાં,
પલકારો લેતાં કેટલી વાર?
પૂછી જોજો “કાચબા”ને,
ઠરીને બેઠાં કેટલી વાર?
– ૧૫/૦૬/૨૦૨૧