અંદર ઘોર અંધાર હોય,
ઊર્જા લીધી ઉધાર હોય,
માથે કોઈ બાકસ ચાંપે, ને
હું દિપક થાઉં, … તો ખરી દિવાળી કહેવાઉં.
સંબંધોના રંગ ઉડ્યા હોય,
ફાંટા ઊભા પડ્યા હોય,
કોઈ મુઠ્ઠી ગુલાલ છાંટે, ને
હું રંગોળી થાઉં,… તો ખરી દિવાળી કહેવાઉં.
મૂળ પાછળ છૂટ્યું હોય,
વિરહ નું વાદળ તૂટ્યું હોય,
કોઈ તીર હ્રદયને વીંધે, ને
હું તોરણ થાઉં,… તો ખરી દિવાળી કહેવાઉં.
ચારે તરફ નિરાશા હોય,
અંતરના નિસાસા હોય,
કોઈ ઝોળી કાંણી ફેલાવે, ને
હું હર્ષનુ કારણ થાઉં,… તો ખરી દિવાળી કહેવાઉં.
– ૦૮/૧૧/૨૦૨૦
તમારી દરેક કવિતા એ હંમેશા ખુશી નો પ્રકાશ પાથર્યો છે.તમે ઘણા બધા ના હર્ષ નું કારણ છો.
ખૂબ સુંદર દીવાળી