મૌનથી બસ પાછળ ધકેલાશે,
સમસ્યા તો સંવાદથી જ ઉકેલાશે.
શબ્દનો અભાવ એ કાંઈ શાંતિ નથી,
દ્વંદ્વ પછી અંદર ને અંદર ખેલાશે.
દિગ્મૂઢ* થઈ જોવાથી ઉતરશે નહીં,
ઝેર એનું રગે રગમાં ફેલાશે.
એક હદ આવશે પછી સહન કરવાની,
એક ઉદ્દગાર માત્રથી તું ઉશ્કેરાશે.
ખોબો ભરીને વ્હેંચેલી ગળગળા થઈને,
લાગણીઓ એક બિંદુમાં જઈ સંકેલાશે.
પછી યુદ્ધે ચડવાની ખુવારી* બહું થશે,
સંબંધોનો ભૂતકાળ કોરાણે મેલાશે.
ગ્લાની નાં બોજ તળે દબાઈ જઈશ “કાચબા”,
સર્વસ્વ લુંટાયા પછી નહીં પંજેલાશે.
– ૨૦/૦૩/૨૦૨૨
*દિગ્મૂઢ – નવાઈ પામેલું, દંગ, સ્તબ્ધ
*પંજેલવુ – મહેનતથી આટોપી લેવું/ઢસરડો કરવો
*ખુવારી – નુકશાની, પાયમાલી
[તું ચુપ છે, કોઈ જ શબ્દ, કોઈ ઉદગાર કે ઉચ્ચાર નથી કરતો, એનો અર્થ એ નથી કે તું શાંત છે, તારું મન શાંત છે. સાચું કહું તારી અંદર એક “કોલાહલ” છે જેનું ગળું દબાવીને તું બેઠો છે…]
વાહ.. એક એક શબ્દ અર્થસભર 👌👌
લાજવાબ 👌👌👌
દરેક સમસ્યા વાર્તાલાપ થી ઉકલી સકે છે.કવિના
દરેક વિચારો સર્વમાન્ય હોય છે અને એજ કવિતાની
શક્તિ છે.