ચુપ તું થઈ ગયો, ને તકલીફ મારે પડી ગઈ,
ઉપેક્ષા આ તારી મને ભારે પડી ગઈ.
અટપટા તો હતાં જ રસ્તા, પહેલેથી જીવનમાં,
અમાવસની રાત પણ પનારે પડી ગઈ.
અજવાળું કરવા અંતરને, દીવો કર્યો નાનકો,
ભડકો થયો ને છત પર મેશ ઝારે પડી ગઈ.
પરીક્ષાનો મારો એવો સતત ચાલ્યા કર્યો કે-
આદત હવે ચાલવાની ધારે પડી ગઈ.
પડકારો તો હતાં જ સામે, એથી ટેવાઈ ગયેલાં,
સમયની વક્રી ચાલ થોડી વધારે પડી ગઈ.
વિશ્વાસ હતો કે તારી લેશે, તારા નામની નાવડી,
હાંકી મુકી ભલેને તિરાડ કિનારે પડી ગઈ.
બોલતો તું નહોતો તો પણ ઝાઝી નો’તી “કાચબા”,
હાથ પાછો ખેંચ્યો ને, તકલીફ ત્યારે પડી ગઈ.
– ૧૯/૦૩/૨૦૨૨
[તું હતો ત્યારે પણ તારી કોઈ ખાસ મદદ તો હતી જ નહીં, છતાં તું હતો તો ‘કોઈ તો છે મારું’ એવી હૈયાધારણ રહેતી હતી. પણ જ્યારથી તું “વિપશ્યના” માં જતો રહ્યો છે ત્યારથી મારી હાલત ખરાબ ને ખરાબ થતી ચાલી…]
ગજબ ની કાવ્ય રચના વડે કવિએ ફરિયાદી ના રૂપમાં અદભુત ભાવ પ્રગટ કર્યો છે.