થોડાં થોડાં અંતરાલે મળ્યા કરો તો સારું,
ઝાંખી પડતાં પહેલાં તાજી કર્યા કરો તો સારું.
ભીની માટી, ગુલાબ, કસ્તુરી, અત્તર, હવે દઝાડે,
શ્વાસે શ્વાસે સુગંધ તમારી ભર્યા કરો તો સારું.
પડદો ખોલી જોઈ લેવાની ઉત્સુક્તા અનેરી,
જ્યાં પણ નીકળો માથે ઓઢી ફર્યા કરો તો સારું.
એક ઝલક ને જોવા ખાતર આંખો નથી મટકતી,
વારે વારે પાછળ ફરીને જોયા કરો તો સારું.
કેટલાં હેતે કરાવીયા’તા પારણાં તમે વિરહના,
રડતી આંખે જીદ પર મારી વઢ્યા કરો તો સારું.
વિચારવામાં નથી વેડફવો સમય આપનો કિંમતી,
દરેક વખતે એક જ પ્રશ્ન પૂછયા કરો તો સારું.
ધ્યાન “કાચબા” સૌનું જાણવા ક્યારે-ક્યાં મળીશું,
વાત કરો તો હાથથી મોઢું ઢાંક્યા કરો તો સારું.
– ૧૧/૧૨/૨૦૨૧
[તમારા પ્રેમનાં પ્રતિક સમો એક છોડ વાવ્યો છે. જો જો…થોડી થોડી વારે આવીને એમાં તમારાં સ્નેહનું સિંચન કરતાં રહેજો, નહીંતર તમારી યાદમાં એ રોપો “સુકાઈ જશે” અને વિરહાગ્નિમાં બળીને રાખ થઇ જશે…..]
સરસ રચના.