એમ ખબર પડી જાય, તો જોવાનું જ શું?
વહેલાં સગડ મળી જાય, તો જોવાનું જ શું?
કોરો કાગળ મૂકીને, આંખ મીંચી દઈએ,
એમાં કોઈ લખી જાય, તો જોવાનું જ શું?
આડી અવળી રેખાઓમાં, શું લખ્યું છે એણે?
કોઈ કાનમાં આવી કહી જાય, તો જોવાનું જ શું?
મધદરિયે વહાણ તૂટે, ને છૂટી જાય હલેસાં ,
કિનારે કોઈ મૂકી જાય, તો જોવાનું જ શું?
સામું ખુલી હોય ચોપડી, એજ વાંચવી પડે છે,
પાછલું પાનું ખુલી જાય, તો જોવાનું જ શું?
ચીપ્યે રાખવાનાં ગંજીપા, ને ફરતી રાખવાની બાજી,
હુકમનો એક્કો મળી જાય, તો જોવાનું જ શું?
જીવવું પડે છે “કાચબા”, અનિશ્ચિતતાઓ સાથે જ,
ભવિષ્ય કોઈ ભાખી જાય, તો જોવાનું જ શું?
– ૦૮/૦૭/૨૦૨૧