વાદળ સૂર્યને ઢાંકી શકે પણ ઠારી ના શકે,
માયા સતને પ્રતાડી શકે પણ મારી ના શકે.
ધસમસતો એ પ્રવાહ, ઉર્જા પ્રચંડ બનશે,
બાંધ નદીને રોકી શકે પણ વાળી ના શકે.
ટોળે વળે તોયે એટલું સાહસ ના મળે,
હાવજ* હાથી ઘેરી શકે પણ ફાડી ના શકે.
બહાર નીકળશે તો વધારે ધારદાર થઈને,
ભઠ્ઠી લોઢું ઉકાળી શકે પણ બાળી ના શકે.
વધી વધીને કેટલાં બચાવશે? ક્યાં સુધી?
ઢાલ પ્રહાર ખમી શકે પણ ટાળી ના શકે.
ટેકા લઈ ઉભો હોય એટલે એમ ના સમજવું,
વંટોળ વડલો હલાવી શકે પણ પાડી ના શકે.
હાથ પગ “કાચબા” જાતે જ મારવા પડશે,
હોડકું અંદર ઉતારી શકે પણ તારી ના શકે.
– ૧૧/૦૪/૨૦૨૨
*હાવજ – સાવજ, સિંહ
[પીડા, કષ્ટ, મુશ્કેલી, પડકાર, પરિક્ષા… કોઈ પણ પ્રકારે તપાવવામાં આવે તો પણ, ભલે થોડું તપે અને નરમ પણ પડે, પણ ભઠ્ઠી નું એટલું “સામર્થ્ય” નથી કે એ સોનાને બાળી શકે….]
Nice
જ્યાં ન રવિ પહોંચે ત્યાં ( કવિ ) પહોંચે………
કવિ ની કલ્પના શક્તિ ની કોઈ સરહદ કે સીમા નથી.
કલાકાર અને કવિ હદય ખૂબ સવેંદનસિલ હોય છે.