મૂંઝવણ

You are currently viewing મૂંઝવણ

અડધી રાત્રે, આંખ ખુલી જાય, તો શું કરવું?
મનગમતું પાત્ર, જો ભુલી જાય, તો શું કરવું?

દુઃખોનો લઈને ટોપલો, નીકળ્યા હોઈ ઠાલવા,
માથું ખભે ઢાળી, કોઈ રડી જાય, તો શું કરવું?

સદગુણો બતાવી આંખે, બાંધી આપે પાટા,
કરીને વાત મીઠી, કોઈ છળી જાય, તો શું કરવું?

ચેહરે લીધા દિલાસા, પણ નહોર હાથના લાંબા,
ખોતરીને ઘા તાજા, કોઈ કરી જાય, તો શું કરવું?

સંભાળી હોય જાતને, મોટા કોઈ આઘાતથી,
ઠૂંસીને ડૂમો મનમાં, કોઈ ભરી જાય, તો શું કરવું?

ઉષ્મા ભર્યા શબ્દોથી, નોખી નોખીને વિનવી,
નોતરી સ્નેહમિલનમાં, કોઈ વઢી જાય, તો શું કરવું?

તારે તો મજબૂત “કાચબા”, કવચ દીધું પ્રભુએ,
આવી તને અંદરથી, કોઈ તોડી જાય, તો શું કરવું?

– ૦૫/૦૫/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments