એની યોજના પર વિશ્વાસ રાખ,
બાજી ગમે ત્યારે બદલી શકે છે.
એની ક્ષમતા પર વિશ્વાસ રાખ,
પાસો છેલ્લી ઘડીએ પલટી શકે છે.
પહોંચી ગયો છે ૯૬ પર, ખુશ ન થા,
૯૮ એ પણ સાપ તને કરડી શકે છે.
રહી ગયો જો પાછળ, તો પણ ગમ ન કર,
સીડી તારી બાજુએ, પણ કોઈ સરકી શકે છે.
કરી શકે છે ઉપર-નીચે, જયારે જેને ચાહે,
પાસાની ચાલને, કોણ અહીંયા પરખી શકે છે.
ચાલવાને તારે, ને મારે, ને સૌને, સરખા જ ખાના,
એ ચાહે ત્યારે જ, તે, ૧૦૦ ઉપર પહોંચી શકે છે.
ચાલતા રહેવાનું “કાચબા”, જેમ એ ચલાવે,
જેટલાં પાસો બતાવે, તું એટલાજ ચલવી શકે છે.
– ૨૯/૧૨/૨૦૨૦