સુખદ પરિવર્તન

You are currently viewing સુખદ પરિવર્તન

પહેલા જેવો આનંદ, હવે ક્યાં જીવનમાં,
ખેલ મનગમતો રમાતો નથી,
તું હવે જલ્દી રિસાતો નથી.

છૂટી ગઈ છે આદત મારી, પ્રેમ ગીતો ગાવાની,
હાથ તારા ગાલો પર મુકાતો નથી,
તું હવે જલ્દી રિસાતો નથી.

ગમે તેટલો છેડું, તું મસ્તી માં જ હસી નાંખે,
મને આ બદલાવ સમજાતો નથી,
તું હવે જલ્દી રિસાતો નથી.

કંઈ પણ હું બોલું, તું સાંભળી લે ચુપચાપ,
મારી કોઈપણ વાતે અકળાતો નથી,
તું હવે જલ્દી રિસાતો નથી.

પકડી લીધી છે તેં ચાલાકી ને મારી,
કોઈ પણ ટીખળ પર ચિડાતો નથી.
તું હવે જલ્દી રિસાતો નથી.

નોંધી લીધુ છે, તારી નારાજગી નું કારણ,
હું પણ “કાચબા” બિલકુલ ખિજાતો નથી,
તું હવે જલ્દી રિસાતો નથી.

૦૭/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply