વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે,
આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે!
તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે,
નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે.
ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે,
તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે.
મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું,
પીંછું લઈને હોંશે એણે કલગી એક સજાવી છે.
નંદ નગરમાં ઉત્સવનો ઉમંગ અધુરો લાગે છે,
હિંડોળાએ થોડું ભીંજાવાની આશ લગાવી છે.
– ૦૬/૦૯/૨૦૨૩
[છેલ્લા એક-દોઢ મહિનાથી બિલકુલ વરસાદ જ નથી અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે પણ વરસાદનાં કોઈ એંધાણ નથી; અને જન્માષ્ટમી સાવ કોરે કોરી જાય એવું તો કંઈ ચાલે? એટલે કાનુડાને કમસેકમ જન્માષ્ટમીનાં દિવસે તો વરસાદ પાડ, એવી મીઠી ફરિયાદ કરતી આ ગઝલ.
હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી 🙏🏻
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી 🙏🏻]
મસ્ત 👌👌👌
વાહ ખૂબ જ સુંદર ગઝલ.
આજે વરસાદની આશા છે.
વરસાદ ને પણ કૃષ્ણ જન્મ ઉજવવો છે,
પણ વરસે કઈ રીતે, નથી થતો પોકાર હવે,
માનવીઓ સૌ મસ્ત છે પ્રકૃતિ નો નાશ કરી,
વરસાદ પણ છે મુંઝવણમાં વરસે કઈ રીતે…
વાહ વાહ ખૂબ ખૂબ સરસ