અંદર સુધી ઉતરવું પડે છે,
જાતે બહાર નીકળવું પડે છે,
આકાશમાં ઊંચે ઉડવું પડે છે,
ભોંય પર જાતે પડવું પડે છે,
રોજે રોજનું બળવું પડે છે,
જાતે જાતે ઠરવું પડે છે,
લાવા જેમ ઉકાળવું પડે છે,
જાતનું ઇંધણ કરવું પડે છે,
કો’કના દુઃખમાં રડવું પડે છે,
જાતે જ ચીમટું ભરવું પડે છે,
સુરજ પહેલાં ઊગવું પડે છે,
જાતે જ સાંજે ઢળવું પડે છે,
વરાળ થઈને ઉડવું પડે છે,
જાતે ઝાકળ પડવું પડે છે,
શ્યાહી ભેગા વહેવું પડે છે,
જાતને કાળું રંગવું પડે છે,
ઈશ્વર ને પણ વઢવું પડે છે,
જાતે જ પાછું નમવું પડે છે,
રોજે રોજ અવતરવું પડે છે,
રોજેય જાતે મરવું પડે છે,
શું કૌ, શું શું કરવું પડે છે,
જાતે કેટલું વેઠવું પડે છે,
કવિતા “કાચબા” એમ નત્થાતી,
જીવ ને શિવ માં રેડવું પડે છે.
– ૨૪/૦૫/૨૦૨૧