સમાજ, વ્યવસ્થા અને વિચારસરણી પર હળવો કટાક્ષ કરતી કવિતાઓ

કોઈ ભોળવી ગયું

  • Post published:22-Oct-21

માફ કરજો મને, કે, હું ભાનમાં નથી,
ઇન્દ્રિયો ખબર નહિ કેમ, મારી બાનમાં નથી,

નામ શું મારું? શું કામ? આવ્યો ક્યાંથી?
શું કહેવાનું તમને? કસ્સું ધ્યાનમાં નથી,

સમજશો નહિ, કે તમને મળવાનો આનંદ છે,
આ તો લથડું છું નશામાં, કંઈ તાનમાં નથી,

સિક્કા જેવું કૈક ખખડ્યું, એટલે નમ્યો છું,
આ મારુ નમન, કાંઈ તમારાં માનમાં નથી,

ખોટું કશુંજ ના લગાડશો મારી વાતનું આજે,
જીભ આજે મારી, એની મ્યાનમાં નથી.

વિશ્વાસ કર “કાચબા”, કો’કે છળથી પાયું છે,
જોઈલે નશો, કોઈજ, મારા સામાનમાં નથી.

– ૧૯/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingકોઈ ભોળવી ગયું

લાયક ન’તો

  • Post published:21-Oct-21

સમસ્યા માત્ર એટલી હતી, તમને મારાં કરવામાં,
ધ્યાન મારું લાગ્યું જ નહીં ક્યારેય, માળા કરવામાં,

જાત ઘસીને તમે,ખોળિયું ઉજળું કરી આપ્યું,
હું વ્યસ્ત રહ્યો ફક્ત, કામો કાળા કરવામાં,

સાદગી અને સંયમને, ચઢાવીને ખોરંભે,
હાંસિલ કરી મહારથ, મેં, ખોંખારા કરવામાં,

ખબર ના પડી કાંટાની, પાછળ ચાલીને,
કેટલા ખૂંપ્યા તમને, રસ્તા સુંવાળાં કરવામાં,

પ્રતીક્ષા હશે તમને, કે કોઈ, વ્હાલથી ઉપાડી લે,
હું મજા લેતો રહ્યો બસ, અટકચાળા કરવામાં,

તમે ઓજસ્વી સૂર્ય, નાહક ઘસી રહ્યાં માથું,
પથ્થર સાથે, અંતરને અજવાળા કરવામાં,

હું દરિયાનો “કાચબો”, ને તમે નદીની મીન,
જીવતર બેવ ખપી જાત, ખાબોચિયાં ખારાં કરવામાં…

સમસ્યા એટલીજ હતી, તમને મારા કરવામાં…

– ૧૬/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingલાયક ન’તો

યંત્રવત્

  • Post published:18-Oct-21

ઘડી બે ઘડી, બેસવાનો, સમય કોની પાસે છે,
ઘડીને, ઘડીભર રોકવાનો, સમય કોની પાસે છે,

સોનેરી સવાર લઈને આવ્યો સૂર્ય તેજસ્વી,
ટોડલે બેસી, નિહારવાનો, સમય કોની પાસે છે,

પરસેવો સીંચીને, જે ફૂલ ખીલવ્યું, બાગમાં,
હાથમાં લઈને, સૂંઘવાનો, સમય કોની પાસે છે,

શિક્ષા-દીક્ષા, લઈને ટોપી, પહેરી લીધી શાનથી,
ઉમળકાભેર, ઉછાળવાનો, સમય કોની પાસે છે,

ચક્રવ્યૂહ, ઘડાઈ રહ્યું છે, આવતી કાલના યુદ્ધનું,
આજનો થાક, ઉતારવાનો, સમય કોની પાસે છે,

ખબર અંતર કોણ પૂછે, વ્હાલથી, એક-બીજાના,
માથે હાથ ફેરાવવાનો, સમય કોની પાસે છે,

દોડી દોડીને પહોંચશે, તો ક્યાં પહોંચશે “કાચબા”,
દોડતાં દોડતાંય વિચારવાનો, સમય કોની પાસે છે.

– ૧૨/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingયંત્રવત્

ઘોડા છૂટી ગયા

  • Post published:13-Oct-21

વાત ને આપણી વચ્ચે જ રાખજે, કીધેલું ને?
બહાર જો ગઈ, વતેસર થશે, કીધેલું ને?

એનો તો ગુણધર્મ છે, જ્વલનશીલતા,
તણખો થ્યો, તો ભડકો થશે, કીધેલું ને?

કે’ને શું વાર લાગે, ફુગ્ગો ફૂટવામાં?
હવાની સાથે ઉડી જશે, કીધેલું ને?

ફિક્કા મમરાં ભાવે કદી ચટોરા ને?
મરી-મસાલો પડી જશે, કીધેલું ને?

લેવા દેવા કોઈને નથી સમસ્યા થી,
ઘા જોશે, તો ખોતરી જશે, કીધેલું ને?

બંધ છે મુઠ્ઠી, ત્યાં સુધી, એ તારી છે,
ખુલી તો ભેદ, ખૂલી જશે, કીધેલું ને?

ચેતવેલોને, તને,”કાચબા”, કરતો નહીં,
જો કરશે તો કેવું થશે, કીધેલું ને?

– ૦૭/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઘોડા છૂટી ગયા

હવે બહું થયું

  • Post published:12-Oct-21

રોજ રોજનું મનાવવાનું, હવે નહીં ફાવે,
નખરાં રોજ ઉપાડવાનું, હવે નહીં ફાવે,

આવવું પડશે તારે પણ, કો’ક દિવસ પાટલે,
ઓટલે રોજ બેસવાનું, હવે નહીં ફાવે,

તારી જેમ સાવ હું નવરો નથી બેઠો,
આંટા રોજ મારવાનું, હવે નહીં ફાવે,

આવતાં જતાં લોકો મને પાંચીયુ નાંખતા જાય છે,
ગીત રોજ ગાવાનું, હવે નહીં ફાવે,

ગણતાં ગણતાં ખૂટી પડ્યા છે, આંગળીનાં વેઢા,
રટણ રોજ કરવાનું, હવે નહીં ફાવે,

મળવું હોય “કાચબા”ને તો, સામે ચાલીને આવજે,
તને રોજ કરગરવાનું, હવે નહીં ફાવે.

– ૦૭/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingહવે બહું થયું