સમાજ, વ્યવસ્થા અને વિચારસરણી પર હળવો કટાક્ષ કરતી કવિતાઓ

ચીલો પાડ

  • Post published:04-Dec-21

ભૂતકાળનાં ઓછાયે, ક્યાં સુધી જીવશું?
ભાવી ની આશાએ, ક્યાં સુધી જીવશું?

નીકળવું પડશે, મન, મક્કમ કરીને,
વડલાનાં પડછાયે, ક્યાં સુધી જીવશું?

તળિયું પેટારાનું, પાતાળ તો છે નહીં,
વારસાની માયાએ, ક્યાં સુધી જીવશું?

થતું જેમ આવ્યું છે, એમ કરતા રહીશું,
પાડેલા ધારાએ, ક્યાં સુધી જીવશું?

ખોલીને વિસ્તારવી, પડશે આ સીમાઓ,
મારેલા તાળાએ, ક્યાં સુધી જીવશું?

અંતરનાં નાદોને, સાંભળવા પડશે,
લોકો ના પડઘાએ, ક્યાં સુધી જીવશું?

ધીમો તો ધીમો, પણ ચાલ તો ખરો “કાચબા”,
માટીની કાયા છે, ક્યાં સુધી જીવશું?

૦૧/૧૦/૨૦૨૧

[કોઈએ પાડેલી પગદંડી પર ક્યાં સુધી ચાલીશ? ક્યાં સુધી લોકોનાં દોરીસંચાર પ્રમાણે જીવતો રહીશ? તારું પોતાનું કોઈ વ્યક્તિત્વ છે કે નહીં? ઊભો થા, ચાલ અને એક નવો “ચીલો પાડ“, તારો માર્ગ જાતેજ નક્કી કર અને દુનિયા માટે એક ઉદાહરણ પૂરું પાડ…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingચીલો પાડ

ઔપચારિકતા

  • Post published:03-Dec-21

આભાર કહીને તારું પણ, અપમાન નથી કરવું,
શાબાશ કહીને ખોટું કોઈ, સન્માન નથી કરવું,

શંખના નાદે શરુ થયે, ને ઘંટના નાદે બંધ થયે,
મન મંદિરને રણનું કોઈ, મેદાન નથી કરવું,

તારામાં હું માનું છું ને, મારું ધ્યાન તું રાખે છે,
સાબિત કરવા માથે કોઈ, નિશાન નથી કરવું,

સઘળાં કામો પડતાં મૂકી, હાંફળો-ફાંફળો દોડી આવે,
ધમકી આપતું તને કોઈ, ફરમાન નથી કરવું,

જોર જોરથી ઘાંટા પાડી, નથી કરવી ફરિયાદો મારે,
ભરી બજારે નાચીને, તોફાન નથી કરવું,

વાત વાત માં બની શકે કે, નાનાં-મોટાં મતભેદ આવે,
હોય તોય શું છડે ચોક, એલાન નથી કરવું,

સંબંધ આપણો સ્નેહનો “કાચબા”, અઠ્ઠંગ એમાં કોઈ ન હોય,
તારું કે મારું, બાહોશ કહી, બહુમાન નથી કરવું.

– ૩૦/૦૯/૨૦૨૧

[આભારવિધિ, ક્ષમાયાચના, શાબાશી આપવી… એ બધા દેખાડા આપણે કરવાની જરૂર નથી. આપણો સંબંધ, સ્નેહનો સંબંધ છે, જ્યાં શુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમભાવ છે ત્યાં આવી કોઈ પણ “ઔપચારિકતા“ને સ્થાન નથી…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઔપચારિકતા

વિધ્નસંતોષી

  • Post published:02-Dec-21

એકમેકમાં ડૂબી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે,
બાકી બધું ભૂલી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે,

લડવાનો જ્યાં સુધી અવાજ આવતો, ત્યાં સુધી તો વાંધો નો’તો,
બેવને હસતાં જોઈ ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.

પ્રયાસો અઢળક કરયા કર્યા કે, ત્રાડ પડે કાં ફૂટ પડે,
કપટ કરીને થાકી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.

સફળ પણ લગભગ થઈ ગયા’તા, બેવને અલગ-અલગ કરવામાં,
તરત, પણ, ભેગાં થઇ ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.

મંશા બરાબર સમજી ગયેલાં, એમની શુભેચ્છા મુલાકાતોની,
મોઢે રોકડું બોલી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.

ખાનદાની એતો હતી અમારી, ઉમળકા ભેગાં આંગણે પોંખ્યા,
એમની બરોબર બેસી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.

ઉશ્કેરણી તો બહું જ કરી, ને વચનો કેવાં કટુ સંભળાવ્યા,
અપમાન “કાચબા” ગળી ગયા ને, ત્યારથી જ આ બધી મોકાણ છે.

– ૨૯/૦૯/૨૦૨૧

[આપણે સમસ્યાઓથી લડતા રહીએ, ઘરમાં કંકાસ રહે એ જોઈને અમુક લોકોને બહું મજા પડે, જરીક જો જીવનમાં શાંતિ થાય તો એમને તરત પેટમાં દુઃખવા માંડે.. એવાં “વિધ્નસંતોષી“ઓ હંમેશા પ્રયત્ન જ કરતાં હોય કે લોકોનાં સંસારમાં આગ કેવી રીતે લગાડીએ…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingવિધ્નસંતોષી

લુચ્ચું પાણી

  • Post published:01-Dec-21

કાલાવાલા કરીએ, ત્યારે આવે નહીં,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
વિનવી વીનવીને મોકલીએ, ત્યારે જાય નહીં,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!

કોરાં, તાપતાં હોઈએ, ત્યારે ઝરમર ઝરમર,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
નીતરી ચૂક્યાં હોઈએ, ત્યારે ધોધમાર ભીંજવે,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!

ઘેરાઈને આવ્યો હોયને, ત્યારે ખુબ સતાવે,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
સાવ જ ઉઘાડ હોય, ને અચાનક, ઝાપટું પાડે,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!

આવે, પણ આવતા પહેલાં કેટલું રીબાવે,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
જાતા જતા પણ “કાચબા” કેટલું રડાવે,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!

– ૨૯/૦૯/૨૦૨૧

[એનું કામ થોડું વિચિત્ર જ છે. અમથું થોડી એને લુચ્ચો કીધો છે. જરૂર હોય ત્યારે કાલાવાલા કરીએ તો પણ આવે નહીં, ને કામ પતી જાય પછી વિનવીએ તો જાય નહીં, ને હવે તો ગમે ત્યારે આવી જાય છે હેરાન કરવા…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingલુચ્ચું પાણી

પ્રાથમિકતા

  • Post published:29-Nov-21

ફરી એક ઉભરો, આવીને શમી ગયો,
ખો ઉભો દઈ ગયો, ને રમત રમી ગયો,

ફાટું ફાટું થઇ રહ્યો, શાંત એ જ્વાળામુખી,
ધરતીકંપનો ઓર એક, આંચકો ખમી ગયો,

મૂકી઼ દીધી’તી દોટ, ટોચ તરફ પુરપાટ,
હો કડાકો વીજળીનો..!!!, જોઈ સમસમી ગયો,

ભર્યો જોમ લીધી નેમ, કર્યું તિલક રક્તથી,
સામે આવ્યું આત્મજન, ને તરત નમી ગયો,

ખોટ ક્યાં ઉમળકાની, રોજ નવાં “કાચબા”
રીત, શરમ, જવાબદારી, નામ દઈ થમી ગયો.

– ૨૩/૦૯/૨૦૨૧

[ઈચ્છાઓ તો રોજ થાય, કંઈ કેટલુંય કરવાની, હસવા-રમવા-કુદવાની…પણ શું કરીએ? કોઈ ને કોઈ કારણોસર આપણી ઈચ્છાને મારીને પડતી મુકવી પડે છે અને અન્ય કોઈ કામ/વ્યક્તિ/વસ્તુને “પ્રાથમિકતા” આપવી પડે છે… કદાચ એનું જ નામ સંસાર છે..!!!]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપ્રાથમિકતા